• સર્જક વિશે
  • શ્રેષ્ઠ કૃતિઓ
  • કાવ્ય સંગ્રહ
  • ટૂંકી વાર્તા
  • વિડીયો

1. ભગત

“આલાપ, જરા હીંચકો હલાવ ને! બુલબુલ જાગી લાગે છે.” રસોડામાંથી પ્લેટફોર્મ ઉપર થાળી મૂકીને ઊભા ઊભાં રોટલી-શાકના ડૂચા મારતી, પરસેવાથી ગાલ ઉપર ચોંટી ગયેલા એના કાન સુધી કપાયેલા ટૂંકા ખુલ્લા વાળની લટને ડાબા હાથે સરખી કરતાં કરતાં બંસરીએ સાદ પાડ્યો.

“આ વળી નવી લપ વહોરી.” ધીમા બબડાટ સાથે આલાપે ઘોડિયાની દોરી હલાવતાં હલાવતાં લોખંડના પલંગમાંથી લાંબા હાથે લાકડાની ગોળ ટિપોઈ ઉપરથી ગ્લાસ ઉઠાવીને ચૂસકી ભરી. ઘોડિયાનો કિચૂડ કિચૂડ અવાજ રસોડામાં ધોવાતાં વાસણો સાથે જુગલબંદી કરી રહ્યો હતો.

બરાબર ચાર વર્ષ પહેલાં કોલેજના છેલ્લા વર્ષમાં બંસરી અને આલાપે ટેલેન્ટ નાઈટ દરમ્યાન સ્ટેજ ઉપર ‘કભી કભી’ના ટાઈટલ સોંગની જુગલબંદી કરી હતી અને કરોડપતિ પરિવારમાં સુખ-સાહ્યબીથી ઉછરેલી બંસરીના દિલમાં આલાપના સૂરનો જાદૂ છવાઈ ગયો હતો. જાડા પહાડી ઘેઘૂર સૂરીલા અવાજથી વશીભૂત બંસરીએ જ્યારે આલાપ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે કોલેજના બધા યુવાનોના નિસાસા નીકળી ગયા. ‘ક્યાં આ કડકો લંગડો અને ક્યાં અપ્સરા જેવી બંસરી?’ આલાપનો ડાબો પગ ઢીંચણ નીચેથી જન્મજાત પાતળો હતો. આથી એ પોતાના ડાબા ઢીંચણ પર ડાબા હાથનો ટેકો લઈને સહેજ વાંકો વળીને ચાલતો. પણ બંસરીને તો આલાપના કંઠમાં ગહેકતા કળાયેલા મોર સાથે પ્રેમ થઈ ગયો હતો, એને બાકીની બધી ચીજો તુચ્છ લાગતી હતી.

‘હું જોબ પર જાઉં?’ બંસરીએ પલંગમાં બેઠેલા આલાપની એકદમ નજીક આવીને વહાલથી એના લાંબા વાળમાં આંગળીઓ પસારી. ત્રણ મહિનાની મેટરનિટી લીવ પછી તે વધારે સુંદર લાગતી હતી. પપ્પાનો હવેલી જેવો બંગલો છોડીને આલાપ સાથે રૂમ-રસોડાના ઘરમાં પોતાનો સંસાર વસાવ્યો હોવા છતાં બંસરી હંમેશા ખુશમિજાજ રહેતી. આલાપને જીવનસાથી તરીકે પામીને જીવનની એક મોટી લડાઈ જીતી લીધી હોય એવો આત્મસંતોષ તેના ચહેરા પર હંમેશાં દેખાતો. લગ્નના થોડા દિવસોમાં જ બંસરીને જીવનની વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી. પૈસા વગર માત્ર પ્રેમના સહારે જીવન પસાર કરવું અઘરું છે એ વાત બંસરી સમજી ગઈ. આલાપને સ્ટેજ પ્રોગ્રામનું છૂટક કામ મળતું પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતાં બંસરીએ એક ટ્રાવેલ કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

‘ભગતની થાળી પીરસ’. આલાપ રસોડા તરફ જોઈને બોલ્યો. મહિના પહેલાં જ આલાપ આ બિલાડીને ક્યાંકથી લઈ આવ્યો હતો. એકદમ શાંત બિલાડી ડ્રોઈંગ રૂમના ખૂણામાં ચૂપચાપ બેસી રહેતી. એની આગળ જમવાનું મૂકાય તો પણ જ્યાં સુધી આલાપનો ઓર્ડર ન થાય ત્યાં સુધી એ ખાવાનું શરૂ નહોતી કરતી. એના આવા વર્તનને લીધે આલાપે એનું નામ ભગત પાડ્યું હતું. ‘મારા કરતાં આ બિલાડીને વધારે પ્રેમ કરે છે.’ બંસરી સ્ત્રી સહજ ઈર્ષ્યાભાવ સાથે મલકી. ‘બુલબુલની દૂધની બોટલ ભરીને ફ્રિજમાં મૂકી છે. એ જાગે ત્યારે પીવડાવી દેજે. ભગતની રોટલીઓ ગરવામાં છે. હું આજે વહેલી આવી જઈશ.’ ઘોડિયામાં સૂતેલી દોઢ મહિનાની બુલબુલ તરફ એક મમતાભરી નજર નાંખીને બંસરી ઘરની જાળી આડી કરીને નીકળી. તેના પગ તેને ઓફિસ તરફ લઈ જતા હતા પણ તેનું હૃદય તેને ઘર તરફ ખેંચી રહ્યું હતું. ‘ચાર કલાકનો જ તો સવાલ છે, ટેવ તો પાડવી જ પડશે.’ બંસરીએ માની મમતાને ટપારી.

હમ હમ કરતા જૂના થઈ ગયેલા સીલિંગ ફેનના અવાજમાં સંગીતનો કોઈ રાગ શોધતા આલાપે નવો પેગ ભર્યો. સંગીતની મહેફીલોમાં અવારનવાર જતો આલાપ ગાતાં ગાતાં છાંટોપાણી કરવા માંડ્યો હતો. તેણે ભોંય પર બેઠેલી ભગત સામે તુચ્છ નજરે જોયું. બિલાડીની આંખોમાં ના કળી શકાય એવો ભાવ દેખાયો. પેટમાં ત્રણ પેગ ગયા પછી આલાપનું મગજ ધીમું થતું જતું હતું.

ઓફિસે પહોંચતા જ સહકર્મીઓ બંસરીને ઘેરી વળ્યા. ‘કેવી છે?’ કોના જેવી દેખાય છે? એને આલાપ જેવું સંગીત શીખવાડજો. મોટી થઈને સિંગર બનશે.’

બંસરી કામે લાગી પણ એનું મન ઘેર પહોંચી ગયું. ‘બુલબુલ રડતી તો નહીં હોય ને? આલાપને દૂધની બોટલ મળી હશે?’ ફ્રિજના આગળના ભાગમાં તો મૂકી છે. વધારે પીવાઈ જાય પછી આલાપને ભાન રહેતું નથી. બંસરીની ચિંતામાં વધારો થયો. ચાર વાગે વહેલી રજા લઈને બંસરી ઘર તરફ નીકળી. ઘર સુધીનો દસ મિનિટનો રસ્તો ઉતાવળે ચાલવા છતાં આજે કપાતો જ નહતો. બુલબુલ જાગી હશે. આલાપ તેને સંભાળી શકશે? ઓફિસે ના ગઈ હોત તો? બંસરીના દિલોદિમાગનો કબજો બુલબુલે લઈ લીધો. તેણે ઝડપ વધારી.

ઘરનો દરવાજો દેખાતાં જ તેનું માતૃહૃદય ભરાઈ ઉઠ્યું. ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. હાંફળા-ફાંફળા થઈને તેણે ધીમેથી જાળીને ધક્કો માર્યો. અંદરનું દૃશ્ય જોઈને બંસરી ચોંકી ગઈ. આલાપ બંને હાથ સીધા રાખીને ચત્તોપાટ બેભાન જેવો પલંગ ઉપર પડ્યો હતો. ટેબલ પરની બોટલ અને ગ્લાસ ખાલી હતા. ઘોડિયું ખાલીખમ હતું. રૂમમાં બુલબુલ ક્યાંય ના દેખાઈ. ‘બુલબુલ…?!’ બંસરીને ફાળ પડી. ઘોડિયા પાસે ફર્શ ઉપર થીજી ગયેલા - કાળા થઈ ગયેલા લોહીના ડાઘ દેખાતા હતા. જે અધખુલ્લી બારી તરફ જતા હતા.

‘ભગ....ત!’ બંસરીએ ચીસ પાડી. ભગતના શરીરમાં પ્રવેશેલા શેતાને પોતાનું પોત પ્રકાશ્યું હતું.

2. ચૂડેલ

માઢમાં કૂતરાંને ભસતાં સાંભળીને હું ઘરની બહાર આવ્યો. ચાર ઘર છોડીને રહેતા ચંદુની પાછળ ગામડિયા જેવા દેખાતા બે અજાણ્યા માણસો એના ઘર તરફ જઈ રહ્યા હતા.

ઊંચા કાળા માણસે સફેદ પાઘડી સફેદ ઝભ્ભો અને ધોતિયું પહેર્યું હતું. એની લાલ આંખો અને ઊંચી કાળી લાંબી મૂછોને લીધે એ બિહામણો દેખાતો હતો. એની પાછળ ચાલતા બીજા માણસે આખી બાંયનું લાલ ખમીસ અને કાળું પાટલૂન પહેર્યું હતું. તેની નજર સતત ભસી રહેલા કૂતરા તરફ હતી. કૂતરા પૂરી આક્રમકતાથી ઉલળી ઉલળીને ભસી રહ્યા હતા.

‘હઓડ... આ...’ ચંદુએ વાંકા વળી જમીન ઉપરથી પથરો ઉપાડીને કૂતરા તરફ ફેંકવાની એક્ટિંગ કરી. પરંતુ કૂતરાં પાછા નહોતા પડતાં. માઢના બે ત્રણ છોકરા ઘરમાંથી ડોકિયાં કરીને આ કૌતુક જોઈ રહ્યા.

હું ચંદુને કંઈ પૂછું એ પહેલાં જ એણે મારી સામે ડોળા કાઢીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ચંદુ મારાથી બે વર્ષ આગળ દસમી ચોપડીમાં ભણતો પણ અમે બંને પાકા ભાઈબંધ હતા. મે’માનને ઘર સુધી મૂકીને એ દોડતો પાછો આવ્યો. કૂતરાઓ હજુ પણ એના ઘર આગળ એટલા જ જોરથી ભસી રહ્યાં હતાં. ચંદુનો મોટો ભાઈ અમરત ધોકો લઈને ઘરની બહાર આવ્યો અને કૂતરાઓને માંડ ભગાડ્યા.

‘મારા ઘેર ભૂવો આવ્યો છે.’ આજુબાજુ જોઈને ધીમેથી ચંદુએ મને કહ્યું. ‘કમુ ભાભીને વળગાડ વળગ્યો છે. તે રાતે કાઢવાનો છે. ભૂવો ધૂણશે. તું રાતે આવજે, આપણે તલવાર લઈને પીંપળે મૂકવા જઈશું. પણ વળતી વખત પાસું ના જોવાય. નહીં તો ભૂત આપણને વળગે.’ ચંદુ અનુભવીની જેમ બોલ્યો. તલવારના ઉલ્લેખથી મારું કુતૂહલ વધ્યું. વહેલું વહેલું વાળુ પતાવીને ઠંડીથી બચવા સ્વેટર, મફલર પહેરીને હું ચંદુના ઘેર પહોંચી ગયો. નીચે લીંપણ અને ઉપર પતરાંવાળી ઓસરીમાં બંને ભૂવા પલાંઠી વાળીને બેઠા હતા. ભૂવાજીના હાથમાં બીડી સળગતી હતી. ચંદુની મા અંદરના રૂમમાંથી પાટલો લઈ આવી. લાલ શર્ટવાળાએ પાટલો દીવાલને અડીને ગોઠવ્યો. ખિસ્સામાંથી લાલ કલરનો કાપડનો ટુકડો કાઢીને પાટલા પર પાથર્યો. કપડા ઉપર અડદની ઢગલી કરી, એનું કૂંડાળું બનાવી વચ્ચે છોલ્યા વગરનું નાળિયેર મૂક્યું. ફૂટેલા માટલાની ઠીબમાં કોલસા સળગાવી ધૂપ કર્યો. પોતાના ખિસ્સામાંથી નાની ડબ્બીમાં ભરેલો પાવડર ચપટીમાં લઈને સળગતા કોલસા ઉપર નાંખ્યો. આખી ઓસરીમાં ધૂમાડા સાથે સુગંધ પ્રસરી ગઈ.

પાટલાની ડાબી બાજુએ આસન પાથરીને મૂછોવાળો ભૂવો બેઠો. એની પાછળ લાલ શર્ટવાળો એનો ચેલો બેઠો. ‘બોલાવો.’ ભૂવાએ સત્તાવાહી અવાજે ઓર્ડર છોડ્યો. ચંદુની મા અંદરના રૂમમાં જઈને તરત પાછી આવી. તેની પાછળ પીળા ફૂલની ભાતવાળી લાલ સાડીનો ઘૂમટો તાણીને કમુભાભી આવી. કમુભાભી માટે પાટલાની જમણી બાજુ આસન પાથર્યું. તેની પાછળ લાઈનમાં ચંદુની મા અને એનો મોટો ભાઈ અમરત બેઠા. તેમની પાછળ છેલ્લી લાઈનમાં હું અને ચંદુ બેઠા.

મૂછોવાળા ભૂવાએ આંખો બંધ કરી નાળિયેર તરફ જોઈને હાથ જોડ્યા. જોરથી શ્વાસ અંદર ખેંચ્યો. અમે બધાએ પણ હાથ જોડ્યા. ‘ઘરમાં કાંક પેઠું છે. ચોખ્ખુ વર્તાય છે.’ ભૂવો બોલ્યો. ‘મા’રાજ ઈન બાર કાઢો. અમન સોડાવો.’ ચંદુની માએ હાથ જોડી આજીજી કરી.

‘મા કાયમની શાંતિ કરી દેશે.’ લાલ શર્ટવાળાએ ચંદુના મોટાભાઈ અમરત તથા ડોસી સામે સંમતિ માગતો હોય એમ જોયું. બંનેએ હાથ જોડીને સમર્પણનો ભાવ દેખાડ્યો. અમરત બહુ ઢીલો. તેના મોઢાંમાંથી મેં કોઈ દિવસ અવાજ નહતો સાંભળ્યો. ગામલોકો એને અમરત ગાય કહેતા. આખો દિવસ ખેતરમાં મજૂરી કરે અને અંધારું થયે ઘેર આવીને સૂઈ જાય આ એનો આખા વર્ષનો નિત્યક્રમ રહેતો.

મૂછાળા ભૂવાએ ખિસ્સામાંથી માળા કાઢી બંધ આંખે ઊંડો શ્વાસ ભરીને બે હાથથી માળાના મણકા સરકાવ્યા. ‘વેણ કે વધાવો?’ ‘વેણ આપો માડી.’ લાલ શર્ટવાળો બોલ્યો. મણકા હાથમાં જ ગણીને મૂછાળો બોલ્યો. ‘લ્યો જોઈ લ્યો પેલ્લા જ બોલાવે માડી હાજર છે.’ ભૂવાએ ફરીથી માળા હાથમાં સરકાવીને ડોસી સામે જોયું. ‘વેણ આપો મા’રાજ.’ ડોસીએ હાથ જોડ્યા. હું અને ચંદુ કુતૂહલથી આ બધું જોઈ રહ્યા હતા. ભૂવાએ ફરીથી મણકા ગણીને બધાની સામે ધર્યા. ‘જુઓ બીજી વાર વેણ… હવ કોઈ પુરાવો જોવ શ?’ બધાએ શ્રદ્ધાભાવથી હાથ જોડ્યા. લાલ શર્ટવાળાએ થેલામાંથી ડાકલું કાઢ્યું. એક હાથે પકડીને બીજા હાથે નાના ડાંડિયાથી વગાડવા માંડ્યો. ઊંડા કૂવામાં પાણી ભરવા માટલું નાંખીએ અને બુડબુડ અવાજ આવે એવા દબાયેલા અવાજે ડાકલું વાગવા માંડ્યું. ડમ ડમાડમ! ડમ ડમ ડમાડમ!

કમુભાભી લાજ કાઢીને ભૂવાની બરાબર સામે સ્થિર બેઠી હતી. ભૂવાએ રાગડો તાણ્યો. ‘હાચી હોય તો આવજે મા...’ ડમ ડમાડમ! ડમ ડમાડમ! ડાકલાની રિધમ વધી. અચાનક ભૂવો ધ્રૂજવા માંડ્યો. એના હાથની આંગળીઓથી લઈને ખભા, ગરદન આખું શરીર ધ્રૂજવા માંડ્યું. ડમ ડમાડમ! ડમ ડમાડમ! ડાકલું વાગતું રહ્યું. ભૂવાએ જોશમાં ધૂણવાનું શરૂ કર્યું. તેની પાઘડી માથેથી ખૂલીને નીચે પડી. ‘હો... હા...’ તે હોંકારા કરવા લાગ્યો. મારા સિવાય બધા ‘ખમ્મા માડી ખમ્મા’ બોલી ઉઠ્યા. ‘ચોંથી આઈશ?’ ઈશારાથી ડાકલું બંધ કરાવીને ભૂવો બોલ્યો. કમુભાભી સ્થિર પૂતળાની જેમ બેસી રહી હતી. અમરત અને ડોસી હાથ જોડીને ભૂવા સામે જોઈ રહ્યાં. ‘બોલ ચૂડેલ ચોંથી આઈશ? શું લેવા આઈશ?’ ભૂવાએ ત્રાડ નાંખી. કમુભાભી હજુ પણ ચૂપ હતી. હું સ્હેજ ગભરાયો. ફરીથી ડાકલું વાગ્યું. ફરીથી ધૂણવાનું શરૂ થયું. પંદર મિનિટ આમનેઆમ ચાલ્યું. ભૂવો થાક્યો હોય એમ ધૂણવાનું બંધ કર્યું. ‘મરચાનો ધૂપ દેવો પડશે.’ ભૂવાએ ફરમાન છોડ્યું. ડોસી અંદર જઈ મસાલિયામાંથી મરચાનો ડબ્બો લઈ આવી. ભૂવાએ અંગારા ભરેલી ઠીબ કમુભાભીની નજીક સરકાવી. ધૂમાડો કમુભાભીના ઘૂમટાની અંદર જવા લાગ્યો. લાલ શર્ટવાળાએ અંગારામાં મરચાનો પાવડર નાંખ્યો. એકાએક કમુભાભીને જોરથી ઉધરસ ચડી. મેં નાક દબાવી દીધું.

‘હવે ઠેકાણે આવશે.’ લાલ શર્ટવાળાએ ડાકલું શરૂ કર્યું. ડમ ડમાડમ! ડમ ડમાડમ! કમુભાભીના શરીરમાં ધ્રુજારી થવા લાગી. ડાકલાએ રિધમ પકડી. કમુભાભીનો ઘૂમટો સરકી ગયો. માથાનો અંબોડો ખૂલી ગયો. તેણે જોરથી માથું આમતેમ હલાવીને ધૂણવાનું શરૂ કર્યું. ‘બોલ ચૂડેલ ચોથી આઈશ?’ ભૂવાએ બાજુમાં પડેલી સાવરણી હાથમાં લઈને કમુભાભીના ખભે ફટકારી. ‘એમ નઈ બોલે.’ કહી ભૂવાએ એક હાથે કમુભાભીના વાળ પકડીને એનું મોં કોલસાની ઠીબ તરફ નમાવ્યું. કમુભાભીને વધારે જોશથી ઉધરસ ચડી. તે છૂટવા માટે વલખાં મારવા માંડી. ભૂવો ઢીંચણીયે ઊભો થઈ ગયો અને કમુને ફરીથી કોલસાની ઠીબ ઉપર દબાવી. કમુ છૂટવા માટે તરફડિયાં મારવા માંડી.

‘તારા પિયરમાં તળાવે આંબલીનું ઝાડ છે?’ ભૂવાએ પૂછ્યું. કમુએ માથું હલાવ્યું. ‘ઈ રમવા જઈ’તી?’ કમુએ ફરીથી માથું હલાવ્યું. ‘ઈ થી આઈશ.’ લાલ શર્ટવાળો બોલ્યો. ‘બહુ હઠીલી શ. ઈમ નઈ જાય. એકલી ન હમજાવવી પડશે.’ ભૂવો ઊભો થયો અને કમુનો હાથ પકડ્યો અને અંદરના રૂમમાં ખેંચી ગયો. લાકડાના જાડા કમાડ અંદરથી બંધ કરી દીધા. બહાર કમુનો વર, ડોસીમા અને ચંદુ ફાટી આંખે જોતા રહ્યાં. મારામાં વિરોધ કરવાની હિંમત નહોતી. લાલ શર્ટવાળાએ દરવાજાને બહારથી સાંકળ લગાવી. આડા ઊભા રહી ડાકલું વગાડવાનું શરૂ કર્યું. ડમ ડમાડમ ! ડમ ડમાડમ ! અંદરથી કમુએ ચીસ પાડી ‘છોડી દે મને છોડી દે’. ધાડ ! ધાડ ! ભૂવો કમુને લાફા મારતો હોય એવો અવાજ આવ્યો. છોડાવો... મને છોડાવો... કમુએ ફરીથી ચીસ નાંખી. ડાકલું જોરથી વાગવા માંડ્યું. એના અવાજમાં કમુની ચીસો અને ભૂવાની લાતો-લાફાના અવાજે વાતાવરણને ભયાવહ બનાવી દીધું. થોડીક વાર પછી ભૂવો કમાડ ખોલીને બહાર આવ્યો. એણે ફાળિયાથી ચહેરાનો પરસેવો લૂછ્યો. એ થાક્યો હોય એવો લાગતો હતો. ‘ચૂડેલ બહુ જિદ્દી નીકળી, બહુ મહેનત કરવી પડી, માંડ માંડ સીધી કરી’. ડોસી અને અમરત હાથ જોડીને અહોભાવથી ભૂવાને તાકી રહ્યાં. બહાર કૂતરાઓ પોક મૂકીને રડી રહ્યાં હતાં.

3. ભૂરી

સાબરમતી જેલ પરિસરની બહાર ખુલ્લા મેદાનમાં દરરોજની જેમ કેદીઓના સો જેટલા સગાઓની ભીડ જામી હતી. પણ તેમાં ભૂરી અલગ તરી આવતી હતી...

ચાલીસ વરસે પણ ઊંચી, ગોરી અને મોનાલીસા જેવો સૌમ્ય ચહેરો ધરાવતી ભૂરી ઉપર ત્યાં ઉપસ્થિત સૌની નજર ચોંટી રહી. ભૂરીને આ કોઠે પડી ગયું હતું. બળી, રૂપની તો આ બધી રામાયણ હતી. પણ જે લોકો ભૂરીને ઓળખતા હતા. એમની ભૂરી સામે જોવાની કે આંખ મેળવવાની હિંમત નહોતી. કારણ હતો ભૂરીનો પતિ વિરજી. જે છેલ્લા પંદર વર્ષથી સાબરમતી જેલમાં બંધ હતો. જેલમાં વિરજીનું એકચક્રી સામ્રાજ્ય ચાલતું. લોકો એને વિરૂ ડોનના નામથી ઓળખતા. એના ઉગ્ર સ્વભાવને લીધે સૌ એનાથી દૂર રહેતા. નાની વાતમાં પણ એ મારામારી પર ઊતરી આવતો. જેલના પોલીસવાળા સુદ્ધાં એનાથી દૂર રહેતા

સામેથી આવતો એક પોલીસવાળો ભૂરીને ઓળખી ગયો. “જય માતાજી. હજી પંદર મિનિટ લાગશે.” આજે કારાવાસના પંદર વરસ પૂરા કરીને વિરજી મુક્ત થવાનો હતો. અગાઉ ઘણીવાર ભૂરી વિરજીને મળવા આ જેલમાં આવી હતી પણ આજનો દિવસ ખાસ હતો. જેલના તોતિંગ દરવાજાની વચ્ચે નાની બારી જેવા મીની દરવાજા ઉપર એની નજર સ્થિર થઈ. એના દિમાગમાં પંદર વરસ પહેલાંનો ઘટનાક્રમ ઊભરી આવ્યો. ભૂરી અને વિરજીના લગ્ન થયે હજી માંડ ત્રણ વરસ થયાં હતાં. ખેતીવાડીથી ગુજારો ચાલતો હતો. એક દિવસ કાખમાં પોતાની બાર મહિનાની દિકરી કંચનને લઈ ખેતરે વિરજીને ભાત આપવા નીકળેલી ભૂરીને એકાંત રસ્તામાં ગામના સરપંચ માયાભાઈએ રોકી, “ભૂરી! મોટરસાયકલ પર બેસી જા, ચાલ તને ફરવા લઈ જઉં. આ વિરજીમાં શું દાટ્યું છે ? આમ તડકે મજૂરી કરીને આ તારું ગોરું શરીર કાળું પડી જશે.” ભૂરી જેમ તેમ કરીને સરપંચનો પીછો છોડાવી ખેતરે પહોંચી. રડતાં રડતાં વિરજીને આખી વાત કરી. એ રાતે જ સરપંચ પોતાના ઘર આંગણે ખાટલો ઢાળીને સૂતો હતો ત્યારે વિરજીએ તલવારથી એના કટકા કરી નાંખ્યા અને જાતે પોલીસમાં હાજર થઈ ગયો. કોર્ટે વિરજીને પંદર વરસની જેલ કરી.

ભૂરી અને કંચન એકલા પડી ગયાં. જીવન કપરું બની ગયું. એક સરપંચથી બચવામાં બીજા અનેકનો સામનો કરવો પડતો હતો. કાળી મજૂરી કરીને પંદર વરસ સુધી ભૂરીએ ઘર ચલાવ્યું. ઘણા તડકા-છાંયડા જોવા પડ્યા. ગામ લોકોની મજાક મશ્કરી અને હેરાનગતિ સહન કરતાં કરતાં નાજુક નમણી ભૂરીના કાળજે પથ્થરના કેટલાયે ઢોળ ચડી ગયા. સંજોગોએ ભૂરીને અસ્તિત્વની લડાઈ લડવાનું શીખવાડી દીધું. સોળ વરસની છોડી પણ હવે જુવાન થઈ હતી. એને મા કરતાં સવાયું રૂપ ઉઘડ્યું હતું. ભૂરી માંજરી આંખો એની સુંદરતામાં ચાર ચાંદ લગાડતી.

“જય માતાજી” બીજા એક પોલીસવાળાએ ભૂરીને રામ રામ કર્યા. તેની વિચાર યાત્રા અટકી. જેલનો દરવાજો હજી બંધ જ હતો. ભૂરીને ફરીથી વિચારો ઘેરી વળ્યા.

ગઈ રાતે મા-દીકરી ઘરની બહાર ફળિયામાં ખાટલો નાંખીને સૂતાં હતાં. કાલે વિરજી છૂટશે. પંદર વરસે ભેગા થવાશે. આવા વિચારે ભૂરીને નિંદર નહોતી આવતી. મોડી રાતે એની આંખ સહેજ મળી ત્યાં કૂતરાના ભસવાના અવાજે એ જાગી ગઈ. બાજુના ખાટલામાં નજર કરી તો કંચન ના દેખાઈ. ભૂરીને ફાળ પડી. પેશાબ-પાણી કરવા ગઈ હશે એમ વિચારીને ભૂરી ઘરની પાછળના વાડામાં જોવા ગઈ તો એની આંખો ફાટી ગઈ. સાતમ-આઠમના આછા અજવાળામાં કંચન અને માયાભાઈ સરપંચનો જુવાન છોકરો રાજિયો એકબીજાને ચોંટીને... તે પાછી વળી ગઈ. તેના પગ નીચેથી જમીન સરકી રહી હતી. “આ કંચુડીનું ગળું દબાવી દઉં.” ભૂરી દબાતે પગલે પાછી આવીને ખાટલામાં પડી. એને સવાર સુધી ઉંઘ ન આવી.

સવારે જાણે કંઈ બન્યું જ ના હોય એમ મા-દીકરી પોતપોતાના કામે વળગ્યા. કંચન બારમા ધોરણની પરીક્ષાનું છેલ્લુ પેપર આપવા અને ભૂરી જિલ્લા મથકે આવેલી જેલમાં વિરજીને તેડવા.

બારીની અંદરથી સાંકળના અવાજે ભૂરીનું ધ્યાન ફરીથી બારી તરફ દોર્યું. હળવેથી મીની દરવાજો ખૂલ્યો અંદરથી વિરજી બહાર આવ્યો. માથા પર અને મૂછમાં ભૂખરા-ગ્રે વાળ સિવાય પંદર વરસમાં એના શરીરમાં કોઈ ખાસ બદલાવ નહતો આવ્યો. નજીક જઈને ભૂરી વિરજીને પગે લાગી. આજુબાજુના માણસોમાં સન્નાટો પ્રસરી ગયો. બંને પતિ-પત્નીએ જેલ પરિસરની બહાર ઊભેલી રિક્ષા પકડીને ગામની વાટ લીધી.

“કંચી ના આવી?” વિરજીએ આતુરતાથી પૂછયું. “પરીક્ષા આપવા ગઈ છે.” ભૂરી મહામહેનતે બોલી. એના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. વિરજીના છૂટવાની ખુશી તો ગઈ રાતે કંચનને સરપંચના રાજિયા સાથે જોયા પછી ઊડી ગઈ હતી. વિરજીને કેવી રીતે કહું? કંચુડી અને રાજિયા બેયનું આવી બનશે. બીજા પંદર વરસ! ના, ના. દોડતી રિક્ષાની ઝડપ સાથે ભૂરીની ગડમથલ વધી.

વિરજીને પંદર વરસે આઝાદી મળી હતી. એનું તનમન મુક્તિનો અહેસાસ કરી રહ્યું. લીલાંછમ ખેતરોને ચીરતા ડામરના રસ્તા ઉપર ગામ તરફ દોડત રિક્ષા... લહેરાતો તાજો પવન... વિરજી મુક્તિની આ પ્રથમ પળોને ભરપૂર માણી રહ્યો. એને ઘેર પહોચવાની અજબ તાલાવેલી હતી. એના માનસપટલમાં ઘરની દીવાલો, શેરી, ગામ, કૂવો... એક એક દૃશ્ય બદલાવા માંડ્યાં. એનું મન માનવા તૈયાર નહતું. એ ખરેખર આઝાદ હતો.

“કંચી ઘેર આવી ગઈ હશે. લાપસી મૂકી દેશે. કારેલાનું શાક બનાવવાનું કીધું છે. તમને બહુ ભાવે છે ને!” ભૂરીએ ચૂપકી તોડી. “હવે ઝટ એના માટે મુરતિયો ગોતવો પડશે.” વિરજીએ ભૂરીની આંખમાં આંખો પરોવી.

રિક્ષા ગામના પાદરે આવેલી કેનાલના ગળનાળે પહોંચી. ત્યાં સામે લોકોનું ટોળું દેખાયું. કંઈ થયું લાગે છે. રિક્ષાવાળાએ રીક્ષા ધીમી પાડી. રોડ ઉપર કૂંડાળું વળીને ઊભેલા લોકોના પગ વચ્ચેથી જમીન ઉપર ચત્તાપાટ પડેલા બે માનવ દેહ દેખાયા. ગામના જુવાનિયાઓએ બે લાશોને કેનાલમાંથી બહાર કાઢીને રોડ ઉપર સુવડાવી હતી. ભૂરી કંચુડીના દુપટ્ટાને ઓળખી ગઈ. “પંદર વરસ બચી ગયા.” એ મનોમન બબડી.

4. રણચંડી

લાલપુર ગામમાં અફડાતફડીનો માહોલ હતો. સૌ કોઈ પોતાના કીમતી સામાન સાથે દિવસ આથમે તે પહેલાં ગામ છોડીને જવાની ઉતાવળમાં હતા...

જોતજોતામાં લોકો માથે પોટલાં ઉપાડીને તો કોઈ ગાડાં લઈને સીમ તરફ નીકળી પડ્યાં. તો વળી કેટલાંક ગામ લોકો બાજુમાં આવેલા ગામમાં આશરો લેવા ઉતાવળા હતાં.

સવારે જ ભીમા બહારવટિયાનો જાસો આવ્યો હતો. આજે રાત્રે એની ટોળી ગામ ભાંગવા આવવાની હતી. પાંચસોક માણસોનું નાનું એવું ગામ. ખેતીવાડી કરીને ગુજારો કરતી સીધીસાદી વસતિ. બહારવટિયા સામે ધીંગાણે ચઢે એવી હિંમત કોઈનામાં નહીં. એટલે સૌએ ગામ છોડી જવાનો નિર્ણય કર્યો. બહારવટિયાઓની સામે થઈને જીવ ખોવો એના કરતાં પોતાના પરિવાર અને કીમતી સામાન સાથે એક રાત સીમમાં વિતાવવાનું સૌને વધારે મુનાસિબ લાગ્યું. મોટેભાગે આવું જ થતું. ભીમાનો જાસો જાય એટલે ગામનાં ગામ ખાલી થઈ જતાં. લોકો જીવ બચાવવા ઘરબાર છોડી દેતાં. રાત પડે ભીમો અને તેના સાગરીતો ગામમાં પેસીને આતંક મચાવતા. ગામમાં જે મળ્યું એ લૂટી લેતા. કોઈ માણસ દેખાય તો નિર્દયતાથી એને રહેંસી નાંખતા. જે ઘરને તાળું માર્યું હોય એવા ઘરને આગ લગાડવામાં આવતી. એટલે લોકો પોતાના ઘર ખુલ્લાં જ રાખીને ગામ છોડી જતાં. સમગ્ર પંથકમાં ગામ ભાંગવાની આવી ઘટનાઓની કોઈ નવાઈ નહોતી. અહીની પ્રજાને પણ આ કોઠે પડી ગયેલું. સોએક વર્ષ પહેલાંના એ સમયમાં આ પંથકમાં કોઈ મોટું રાજ-રજવાડું પણ નહીં જે ભીમાનો સામનો કરી શકે.

સૂરજ આથમે એ પહેલાં આખું ગામ ખાલી થઈ ગયું. ગામમાં રહી ગઈ તો એકમાત્ર વિદ્યા ગોરાણી. ગામને પાદર આવેલા ભવાની માતાના મંદિરની પૂજારણ વિદ્યા બાળવિધવા હતી. ભવાની માતાના મંદિરની બાજુમાં જ એની ઓરડી. વિદ્યા માતાજીની સેવા-પૂજા કરે અને મંદિરની સાફસફાઈ રાખે. ગામના વરખાસનથી એનું ગુજરાન ચાલે. સંધ્યાટાણે વિદ્યા એક હાથે પિત્તળની ઘંટડી વગાડે અને બીજા હાથે માતાજીની પાંચ દીવાની આરતી ઉતારે. આરતીના દીવાના પ્રકાશમાં ચમકતા વિદ્યાના ચહેરામાં ભક્તોને સાક્ષાત્ મા ભવાનીના દર્શન થતાં. પાંચ શેર વજનની આરતી જમણા હાથે સાત-આઠ મિનિટ સુધી ઉપાડીને માતાજીની આરતી ઉતારવી એ સહેલું નહતું. ભલભલા યુવાનોના હાથ થાકી જાય પણ ત્રીસી પાર કરી ચૂકેલી વિદ્યા ગોરાણી માતાજીની આરતી રોજ બે ટાઈમ ઉતારતી.

વિદ્યા જાણતી હતી કે લૂટારાઓ માતાજીના શણગાર ઉતારી જશે. કોઈપણ સંજોગોમાં માતાજી શણગાર વગર ના રહેવા જોઈએ. એટલે વિદ્યાએ માતાજીની મૂર્તિને પહેરાવેલા સોનાના દાગીના ઉતારીને સંતાડી દેવાનો વિચાર માંડી વાળ્યો. અને સાથે સાથે ગામ છોડીને સીમમાં છુપાવાનો વિચાર પણ માંડી વાળ્યો.

રાત પડતાં જ આખું ગામ સૂમસામ અને ભેંકાર બની ગયું. અંધારાની સાથે દક્ષિણ દિશામાંથી ચાલીસેક જેટલા લૂટારાની ટોળી સાથે ભીમો પગપાળા ગામમાં પેઠો. દરેકના એક હાથમાં સળગતી મશાલ અને બીજા હાથમાં ખુલ્લી તલવાર હતી. માથાનું રક્ષણ કરવા બુકાની અને ખભે લૂટનો માલ ભરવા કોથળામાંથી બનાવેલા મોટા થેલા હતા. લૂટારાઓ ચાર-પાંચની ટોળીઓમાં ગામની જુદી જુદી શેરીઓમાં આગળ વધ્યા. મારો-કાપોની બૂમરાણ અને કૂતરાઓના ભસવાના અવાજથી અંધારી રાત ભયાનક બની ગઈ.

ગામમાં ભીમાની ટોળીનો સામનો કરનાર કોઈ નહોતું. લૂટારાઓ ઘરોમાં ઘૂસીને જે હાથમાં આવ્યું તે થેલાઓમાં ભરવા માંડ્યા. ભીમો ચાર સાગરીતોને લઈ ભવાની મંદિર તરફ આગળ વધ્યો. એ જાણતો હતો કે માતાજીના શણગાર અકબંધ હશે. એના દિમાગમાં સોના-ચાંદીના દાગીના છવાયા હતા. જે સૌ પહેલા એને ઝબ્બે કરવા હતા.

મંદિરની પરસાળમાંથી જ ગર્ભગૃહમાં સ્થાપિત ભવાની માતાની મૂર્તિ દેખાઈ. મૂર્તિ આગળ પ્રગટાવેલા દીવાના પ્રકાશમાં માતાજીના સોનાનાં ઘરેણાં ચમકી રહ્યા હતાં. ભીમાની આંખમાં ચમક આવી. ‘આકડે મધ!’ એ મનમાં હસ્યો.

ભીમો પરસાળમાંથી ગર્ભગૃહમાં આગળ વધ્યો. ગર્ભગૃહમાં જવાનો દરવાજો નીચો હતો. મંદિરમાં ગર્ભગૃહના દરવાજા હંમેશાં ઓછી ઊંચાઈના બનાવવામાં આવતા. જેથી ગર્ભગૃહમાં મૂર્તિ પાસે પ્રવેશનાર વ્યક્તિ મૂર્તિને નમીને, ઝૂકીને અંદર પ્રવેશ કરે.

ભીમો નીચો નમીને ગર્ભગૃહના દરવાજામાં દાખલ થવા ગયો. ત્યાં જ અંદર લપાઈને બેઠેલી વિદ્યા ગોરાણી હાથમાં પાંચ હાથ ઊંચું ત્રિશૂળ લઈને ધસી આવી. ભીમો પોતાને સંભાળે એ પહેલાં જ વિદ્યાએ બે હાથની પૂરી તાકાતથી ત્રિશૂળ ભીમાના પેટમાં પરોવી દીધું. ‘આહ...!’ ભીમો એક ડગલું માંડ પાછો પડ્યો અને ફસડાઈ પડ્યો. એના મોંમાંથી લોહીની ઊલટી થઈ ગઈ.

મશાલના ઝાંખા અજવાળામાં ભીમાના ચારેય સાગરીતોની નજર જોગમાયા જેવી ગોરાણીના ક્રોધિત ચહેરા પર પડી. ‘જય ભવાની’ ગોરાણીએ ત્રાડ નાંખી અને ભીમાના પેટમાંથી ત્રિશૂળ ખેંચી કાઢ્યું. લૂટારાઓ ડઘાઈ ગયા. સાક્ષાત્ રણચંડી હાથમાં લોહિયાળ ત્રિશૂળ લઈને ઊભી હતી. લૂટારાઓ જીવ લઈને નાઠા. એકેયમાં પાછું વળીને જોવાની હિંમત નહોતી.

5. હૃદય પરિવર્તન

રાતના બાર વાગે ગોરધન શેઠની હવેલી આગળ બે મોટરકાર આવીને ઊભી રહી. મોટા શહેરના દીવાનની હવેલીએ મોટરોની અવરજવરની કોઈ નવાઈ નહોતી એટલે હવેલીની બહાર બેઠેલા કૂતરાઓ સિવાય કોઈએ એની ખાસ નોંધ ના લીધી...

આગળની મોટરમાંથી છ બંદૂકધારી સિપાહીઓ ફટાફટ ઊતરીને પાછળ ઊભેલી મોટરની ફરતે એટેન્શનમાં ગોઠવાઈ ગયા. પાછલી મોટરનો પાછળનો દરવાજો ખોલીને એક અંગ્રેજ અમલદાર નીચે ઊતર્યો. સિપાહીઓએ સલામ ઠોકી. પેલો અમલદાર એ તરફ ધ્યાન આપ્યા વગર સૌને હાથના ઈશારાથી ત્યાં જ ઊભા રહેવાનું કહી હવેલીના દરવાજે પહોંચ્યો અને ડોરબેલ દબાવ્યો. અંદર રાહ જોઈને જ ઊભા હોય એમ ગોરધન શેઠે તરત દરવાજાનું એક કમાડ ખોલીને અંગ્રેજને આવકાર્યો. “આવો કમિશનર સાહેબ” અમલદારે રાતના અંધારામાં આસપાસ નજર કરી પછી અંદર જઈ દરવાજો બંધ કરી દીધો.

“ગોરધન શેઠ, એક અગત્યના કામે આવ્યો છું. તમારી મદદ જોઈએ છે.” કમિશનરે અંગ્રેજીમાં કહ્યું. “હુકમ કરો મિસ્ટર રોબર્ટ, રાણીના શાસનનો પડતો બોલ ઝીલવા અમે તૈયાર છીએ.” શેઠે અંગ્રેજીમાં જ જવાબ આપ્યો. ગોરધન શેઠે ઈંગ્લેન્ડ જઈને કોલેજનો અભ્યાસ કરેલો. પિતા શહેરના દીવાન હતા. રાજા-રજવાડાની જેમ તેમનો ઉછેર થયેલો. પરદેશથી ભણીને હિંદુસ્તાન પરત આવીને તરત જ એમણે પિતાની શુગર મિલમાં જવાબદારી સંભાળી લીધી હતી. જોતજોતામાં પોતાની વેપારી કુનેહ અને અંગ્રેજ અમલદારો સાથે મીઠા સંબંધો રાખવાની આવડતને લીધે ગોરધન શેઠ ખૂબ દામ અને નામ કમાયા. સરકાર પાસેથી સસ્તા ભાવમાં જમીનો લઈને એમણે વીસ જેટલી શુગર મિલો ધમધમતી કરી દીધી હતી. અંગ્રેજ સરકારમાં દરેક સ્તરે એમનું આગવું વજન હતું. નાનપણથી જ કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા ગોરધન શેઠને હિંદુસ્તાનીઓ પ્રત્યે બહુ ચીડ રહેતી. હિંદુસ્તાનીઓને તેઓ ગમાર સમજતા. “આ અંગ્રેજો ના આવ્યા હોત તો હિંદુસ્તાન હજુ બસો વર્ષ પાછળ હોત” - આવું ગોરધન શેઠ જાહેરમાં બોલતા. આથી શહેરમાં ઘણા લોકો એમને અંગ્રેજ હકૂમતના એજન્ટ કહેતા. કેટલાક તો એમને ગોરધન ગદ્દારના નામે ઓળખતા.

“જુઓ શેઠ, તમે જાણો જ છો. ક્વિટ ઈન્ડિયા મુવમેન્ટ હવે જોર પકડી રહી છે. દેશમાં ઠેરઠેર બ્રિટિશરો ઉપર હુમલાની ઘટનાઓ બની રહી છે. ઘણા અંગ્રેજ અમલદારોએ પોતાના પરિવારોને ઈંગ્લેન્ડ પરત મોકલી દીધા છે. વાઈસરોય સાહેબની ઈચ્છા છે કે એમનો પરિવાર પણ લંડન શિફ્ટ થઈ જાય. બંદરેથી બોટ ઉપડવામાં હજી ચાર દિવસનો સમય લાગે એમ છે. શહેરમાં તોફાનીઓના દેખાવો જોતાં વાઈસરોય સાહેબ પોતાના પરિવારને વાઈસરોય બંગલોમાં રાખવા નથી માગતા. તેમની ઈચ્છા છે કે તેમનો પરિવાર બોટ ઊપડે ત્યાં સુધીનો સમય એટલે કે આવતી ચાર રાત્રી કોઈ અજ્ઞાત સ્થળે વિતાવે.”

“હું કઈ રીતે ઉપયોગી થઈ શકું?” ગોરધન શેઠ મક્કમ અવાજે બોલ્યા. “શહેરની બહાર જૂની શુગર મિલના કમ્પાઉન્ડમાં તમારો બંગલો છે. ત્યાં કોણ રહે છે ?” “મારા બે નોકર, એકદમ વિશ્વાસુ. બે પેઢીથી અમારા ઘરે જ કામ કરે છે. ” “બહારથી કોઈની અવરજવર?” અંગ્રેજે આંખ ઝીણી કરી. “ના રે ના! આજુબાજુ બે કિલોમીટર સુધી કોઈ જ વસવાટ નથી. અમે કોઈવાર રજામાં જઈએ એ જ. વાઈસરોય સાહેબના પરિવાર માટે એકદમ સલામત જગ્યા છે. ” “તમારે જવાબદારી લેવી પડશે. તેમની સાથે તેમના અંગત અંગરક્ષકો પણ નહીં રહે. સમગ્ર વાતની જાણ તમારા સિવાય કોઈને ના થવી જોઈએ. તમારા પરિવારજનોને પણ નહીં. આ શાહી સુરક્ષાનો વિષય છે. ”

“તમે નિશ્ચિંત રહો કમિશનર સાહેબ. હું પોતે સવારે ત્યાં જઈને બધી વ્યવસ્થા જોઈ લઈશ. વાઈસરોય સાહેબનો પરિવાર નિરાંતે ચાર દિવસ આરામ કરશે. કોઈને ગંધ સુદ્ધાં નહીં આવે. ”

બીજા દિવસની સાંજ ઢળતાં જ વાઈસરોયની પત્ની તથા ત્રણ બાળકો એક અંગ્રેજ અંગરક્ષક સાથે ગોરધન શેઠના શુગર મિલવાળા બંગલે પહોંચ્યાં. વાઈસરોયના પરિવારને આવકારવા ગોરધન શેઠ પોતે હાજર હતા. સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરીને પોતાના બન્ને નોકરોને વિગતવાર ભલામણ કરીને વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહે તેવી સૂચના આપીને ગોરધન શેઠ ત્યાંથી શહેરમાં આવવા નીકળ્યા.

એમની મોટર અડધે રસ્તે પહોંચી ત્યાં ડ્રાઈવરે બ્રેક મારી. “શેઠજી આગે તોફાન લગતા હૈ.” સામેથી એક મોટું ટોળું સરઘસ કાઢીને આવતું દેખાયું. સો જેટલા યુવાનો સૂત્રો પોકારતા આવી રહ્યા હતા. “અંગ્રેજો વાપસ જાઓ! વી વોન્ટ ફ્રીડમ!” “આ લોકોને કોઈ ધંધો નથી.” ગોરધન શેઠે મોં બગાડ્યું. ડ્રાઈવરે ગાડી રોડની સાઈડમાં લીધી. હજી ટોળું તેમની નજીક પહોંચે એ પહેલાં ટોળાની પાછળથી એક અવાજ આવ્યો. “ફાયર!” ગોરધન શેઠને અવાજ જાણીતો લાગ્યો. અરે, આ તો પોલીસ કમિશનર રોબર્ટ. ગઈ રાતે તો મારે ત્યાં આવ્યા હતા. અને ધડાધડ બંદૂકો ગરજી ઊઠી. ડઝનેક જેટલા સિપાહીઓએ પ્રદર્શનકારીઓના ટોળા ઉપર પાછળથી બેફામ ગોળીબાર શરૂ કર્યો. રોડ ઉપર લોહી વહેવા માંડ્યું. આંદોલનકારીઓ સામી છાતીએ ગોળીઓ ઝીલતા હતા. એમના મોંમાંથી ઉદ્ગાર નીકળતા “ઈન્કલાબ ઝિંદાબાદ!, વંદે માતરમ્!” ધડામ! ધડામ! જોતજોતામાં લાશોનો ઢગલો થઈ ગયો.

ગાડીમાંથી નીચે ઊતરીને શેઠ અને ડ્રાઈવર જીવ બચાવીને ભાગ્યા. ગોરધન શેઠે બંને હાથની હથેળીથી કાન અને માથાનો પાછળનો ભાગ દબાવી દીધો. હાંફળા-ફાંફળા માંડ હવેલીએ પહોંચ્યા. એમનો શ્વાસ બેસતો નહતો. કાનમાં સતત પડઘા પડતા હતા. “ઈન્કલાબ ઝિંદાબાદ!, વંદે માતરમ્!” ધડામ! ધડામ! લબરમૂછિયા યુવાનોને સામી છાતીએ ગોળી ખાતા જોઈ શેઠનું હૃદય દ્રવી ઊઠ્યું. એમની અંદર વિચારોનો વંટોળ ઊઠ્યો. આઝાદી માટે આટલું મોટું બલિદાન!. એમનું રોમ-રોમ રડી ઊઠ્યું. ધડામ! ધડામ! પોલીસ વડા રોબર્ટનો ફાયરનો આદેશ.

શેઠ પથારીમાં પડ્યા પણ ઊંઘ ના આવે. આંદોલનકારીઓ પર પોલીસ કમિશનર રોબર્ટ દ્વારા કરાયેલ અત્યાચારને નજરે જોયા પછી એમનો અંગ્રેજ સત્તા સાથે મોહભંગ થઈ ગયો. પચાસ વરસ સુધી હિંદુસ્તાન અને હિંદુસ્તાનીઓ પરની નફરત અચાનક દેશદાઝમાં બદલાવા લાગી. મધરાતે બાર વાગે ગોરધન શેઠની ગાડી હવેલીએથી નીકળીને શુગર મિલવાળા બંગલા તરફ દોડવા લાગી.

વહેલી સવારે અજવાળું થાય એ પહેલાં આખા શહેરમાં હોબાળો થઈ ગયો. ગોરધન શેઠના શુગર મિલવાળા બંગલાને આંદોલકારીઓના ટોળાએ ભયંકર આગ લગાડી હતી અને અંદર સૂતેલા તમામ લોકો આગમાં બળી મર્યા હતા.


©Copyright 2023 By Paras Patel